ખરાબ આદત છોડવાથી જીવનમાં પરિવર્તન આવે છે / નૈતિક મૂલ્ય: સત્ય / સદગુણ: ઈમાનદારી

એક દિવસ એક માણસ પ્રોફેટ મહમ્મદ પાસે ગયો અને તેણે કહ્યું, “ઓ અલ્લાહના પયગંબર, મારામાં ઘણી ખરાબ આદતો છે. તો મને કહો કે કઈ ખરાબ આદતને પહેલાં છોડું?”

પયગંબરે જવાબ આપ્યો. “આ તો બહુજ સરળ છે. તું સૌથી પહેલાં જુઠ્ઠું બોલવાનું છોડી દે અને હંમેશાં સત્ય જ બોલવાનું વચન આપ. તે માણસ સમંત થઈ ગયો. અને પયગંબરને વચન આપ્યું કે આજ પછી તે માત્ર સત્ય જ બોલશે. આમ કહી તે પોતાના ઘરે ગયો. રાત પડી અને તે ચોરી કરવા નીકળ્યો કારણકે તે ચોર હતો. અચાનક તેને વિચાર આવ્યો, “આવતીકાલે પયગંબર મને પૂછશે કે ગઈકાલે રાતના તું ક્યાં હતો? તો હું તેમને શું જવાબ આપીશ? શું હું તેમને કહું કે હું ચોરી કરવા ગયો હતો. એ તો મારાથી નહીં કહેવાય.  પણ હું જુઠ્ઠું પણ નહીં બોલી શકું. જો હું સત્ય બોલીશ તો લોકો મારો તિરસ્કાર કરશે અને મને ચોર કહેશે અને ચોરી કરવા માટે મને સજા થશે.” તે રાતે તેણે ચોરી ન કરવાનું નક્કી કર્યું. આમ તેની ચોરી કરવાની ખરાબ આદત છુટી ગઈ.

બીજે દિવસે તેને દારૂ પીવાની ઈચ્છા થઈ. તેથી તેણે દારૂનો પ્યાલો હાથમાં લીધો અને જેવો તે દારૂ પીવા જતો હતો તેવો તેને વિચાર આવ્યો કે પયગંબર મને પૂછશે કે ગઈકાલે દિવસના તું શું કરતો હતો? તો હું તેમને શું જવાબ આપીશ? હવે હું જુઠ્ઠું તો બોલી ન શકું અને જો સત્ય બોલીશ તો લોકો મારો તિરસ્કાર કરશે કારણકે મુસલમાનોને દારૂ પીવાની મંજૂરી નથી. આમ તેણે દારૂ પીવાનું પણ છોડી દીધું.

આ રીતે જ્યારે તે કંઈ પણ ખરાબ કામ કરવા જતો ત્યારે તેને મનમાં પયગંબરને આપેલું વચન યાદ આવતું અને તે તરત જ એ આદત છોડી દેતો.

આ રીતે એક પછી એક તેની બધીજ ખરાબ આદતો છુટી ગઈ. અને આમ તે એક ઈમાનદાર અને સાચો મુસલમાન બની ગયો.

હંમેશાં સત્ય બોલવું જોઈએ. જેમ એક જૂઠ સો જૂઠ બોલાવે છે. તેમ એક ખરાબ આદત બીજી ખરાબ આદતોને આમંત્રણ આપે છે. એજ રીતે એક ખરાબ આદત છુટવાથી બીજી બધી ખરાબ આદતો છુટતી જાય છે અને આપણામાં પરિવર્તન આવે છે.

Leave a comment