Archives

કીમતી તલવાર / નૈતિક મૂલ્ય – અહિંસા / સદગુણ – શાંતિ

એક વખતની વાત છે. એક ખૂબ કીમતી તલવાર હતી. તે તલવાર એક મહાન રાજાની હતી. તે રાજા સ્વભાવે ખૂબ આનંદી અને મોજીલો હતો. તે આજુબાજુના રાજ્યના રાજાઓને આમંત્રણ આપતો અને રોજ મિજબાની કરતો. એક દિવસ અચાનક તે રાજા અને તેના પડોશી રાજા વચ્ચે યુદ્ધની ઘોષણા થઈ.

તે તલવાર યુદ્ધમાં પહેલી વખત ભાગ લેવાના વિચાર માત્રથી ઉત્સાહિત થઈ ગઈ. તે વિચારવા લાગી કે આખા રાજ્યમાં તેની બહાદુરી અને વિશેષતા માટે તે પ્રખ્યાત થઈ જશે.

રણમેદાનમાં આગળ વધતા-વધતા તે કલ્પના કરતી હતી કે જાણે પોતે અનેક યુદ્ધમાં વિજેતા થઈને આગળ વધી રહી છે. પરંતુ જ્યારે તે તલવાર પોતાની સેના સાથે યુદ્ધ મેદાનમાં પહોંચી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને તે દિવસનું યુદ્ધ વિરામ પામ્યું હતું અને તેની નજર સામે યુદ્ધનું પરિણામ દેખાતું હતું. તલવાર આ દશ્ય જોઈને હેબતાઈ ગઈ. તેણે આવા યુદ્ધની કલ્પના કરી ન હતી. યુદ્ધ મેદાનમાં સૂર્યની રોશની જેવા ચમકતા શસ્ત્રો લઈને કોઇપણ યોદ્ધા ત્યાં પોતાની વિજય ધજા ફરકાવતો ઊભો ન હતો. તેના બદલે ત્યાં તૂટેલા શસ્ત્રો હતા. ભૂખ અને તરસથી તડપતા ઘાયલ સૈનિકો લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. ત્યાં ભાગ્યે જ ખાવા માટે અન્નનો દાણો કે પીવા માટે પાણી રહ્યું હતું. બધુ જ ધૂળ અને માટીમાં રગદોળાઈ ગયું હતું અને અસહ્ય દુર્ગંધ મારતી હતી.

 

આવું હ્રદય દ્રવી ઊઠે એવું દ્રશ્ય જોઇને તલવારને ખ્યાલ આવ્યો કે તેણે આવા યુદ્ધની કદી પણ કલ્પના કરી ન હતી અને તેને આવું યુદ્ધ પસંદ પણ ન હતું.

આ દશ્ય જોઇને તેણે નિર્ણય લીધો કે આવા હ્રદય દ્રાવક યુદ્ધમાં ભાગ લેવા કરતા કોઈ રમત-ગમતની પ્રતિયોગીતામાં ભાગ લઈને શાંતિથી રહેવાનું પસંદ કરશે. આમ તે રાતે તલવાર યુદ્ધમાં કેવી રીતે ભાગ ન લેવો તેનો વિચાર કરવા લાગી. અચાનક થોડીવાર પછી તે તલવાર કાંપવા લાગી. પહેલા તે ધીરેથી કાંપતી હતી પણ એકદમ તેનું કંપન તેજ થવા લાગ્યું. થોડાજ સમયમાં આ ધ્વનિ એટલો કર્કશ થઈ ગયો કે એ આવાજ કોલાહલમાં બદલાઈ ગયો. આવો અવાજ સાંભળીને બીજા બધા સૈનિકોની તલવાર અને કવચો તે તલવારને પૂછવા લાગ્યા કે તું શું કરે છે?

તલવારે જવાબ આપ્યો, “મને યુદ્ધ જરા પણ પસંદ નથી.” એક તલવારે જવાબ આપ્યો.” યુદ્ધ તો અમને પણ પસંદ નથી પરંતુ અમે શું કરીએ?” તલવારે તરતજ જવાબ આપ્યો. “તમે બધા પણ મારી જેમ કાંપવાનું શરુ કરી દો અને આપણે બધા સાથે મળીને એટલો અવાજ કરશું એક પણ સૈનિક આખી રાત સૂઈ નહીં શકે.”

રાજાની તલવારની વાત સાંભળીને બધી તલવાર પ્રભાવિત થઈ ગઈ અને તેઓ એ પણ કાંપવાનું શરૂ કરી દીધું અને અવાજ એટલો તેજ થઈ ગયો કે એ અવાજ શત્રુઓના પડાવ સુધી પહોંચી ગયો. શત્રુઓના શસ્ત્રોને પણ યુદ્ધ પસંદ ન હતું. એ શસ્ત્રોએ પણ આ અવાજમાં ભાગ લીધો.

બીજે દીવસે સવારે એક પણ સૈનિક યુદ્ધમાં ભાગ લેવા માટે તૈયાર ન હતો.  બધા જ બહુ થાકેલા હતા.

આગલી રાતના શસ્ત્રોના અવાજથી કોઈપણ સૈનિકને ઊંઘ નહોતી આવી. રાજાઓ અને સેનાપતિઓએ યુદ્ધને એક દિવસ માટે વિરામ આપ્યો. પરંતુ જેવી રાત પડી કે બન્ને રાજ્યોના શસ્ત્રોએ ફરીથી અવાજ કરવાનો શરૂ કર્યો. આ રીતે લગાતાર ૭ દિવસ સુધી રાતના અવાજ ચાલુ રહ્યો. સાતમાં દિવસે બન્ને રાજાઓએ મળવાનું નક્કી કર્યું. બન્ને રાજાઓ શરૂઆતમાં તો દલીલ ઉપર ઉતરી પડ્યા અને ક્રોધે ભરાયા. પરંતુ થોડો સમય સાથે વિતાવ્યા પછી બન્ને રાજાઓ પોતાના સૈનિકોના દુઃખી ચહેરા, તેમના ઉજાગરા, સૈનિકોની લોહી લુહાણ હાલત, આ બધી વાતો કરવા લાગ્યા. બન્ને રાજાઓ વાતોમાં એવા મશગુલ થઈ ગયા કે બન્નેની દુશ્મનાવટ ક્યારે મિત્રતામાં ફેરવાઈ ગઈ તેમનો તેમને ખ્યાલ પણ ન રહ્યો અને બન્ને જણ મજાક મસ્તીના મૂડમાં આવી ગયા.

થોડીવારમાં જ બન્ને રાજાઓએ પોતાની દુશ્મનાવટ ભૂલાવીને યુદ્ધને વિરામ આપવાની ઘોષણા કરી દીધી. બન્ને રાજાઓએ પોતાની મિત્રતા જાહેર કરી અને ખુશીથી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા.

એ દિવસ પછી બન્ને રાજાઓ અવાર-નવાર મળતા અને રાજા બન્યા પછીના અનુભવોની ચર્ચા કરતા અને મિજબાની માણતા. ગાઢ મિત્રતા થયા પછી તેઓને ખ્યાલ આવ્યો, “સંપ ત્યાં જંપ.”

યુદ્ધ કરવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બધાને શાંતિ, ખુશી અને આનંદ જોઈએ છે, જે અહિંસા જેવા શક્તિશાળી સાધનથી મળે છે.

સોબત તેવી અસર / નૈતિક મુલ્ય : અહિંસા / સદગુણ : હકારાત્મક વિચાર

રાજુ નામનો એક ખેડૂત હતો. તે ખૂબ જ મહેનતુ હતો. રોજ વહેલી સવારે તે પોતાના ખેતરે જ્તો અને સમી સાંજે પાછો ફરતો. જ્યારે એક સાંજે ઘરે જ્તા પહેલાં રાજુ એક વડલાના વૃક્ષની નીચે આરામ કરવા બેઠો હતો ત્યારે તેણે રાજાના દુતે ઘોષણા કરી તે સાંભળી કે જે કોઈ વ્યક્તિ રાજાના સ્વપ્નનું અર્થઘટન કરી આપશે તેને ૧૦૦ સોનાના સિક્કા ઈનામ મળશે.

રાજાએ સ્વપ્નમાં તેમની મશ્કરી કરતું શિયાળ તેમના જ ખોળામાં કૂદકા મારતું જોયું હતું. “જો મને આનો જવાબ ખબર હોત તો,” રાજુ બબડ્યો. “જો તું મને અડધું ઈનામ આપે તો હું તને તેનો જવાબ કહી શકું,” વડલાના વૃક્ષ પર બેઠેલા એક નાના પંખીએ કહ્યું. રાજુની ખુશીનો પાર ન રહ્યો અને તે પંખીની સાથે અડધું ઈનામ વહેંચવા તૈયાર થયો.

“શિયાળ વિશ્વાસઘાતનું પ્રતિક છે. રાજાને સાવધાન રહેવાનું કહેજે,” પંખીએ કહ્યું.

પંખીએ કહેલી વાત રાજુએ રાજા સુધી પહોંચાડી અને તેણે ઈનામ મેળવ્યું. રાજુએ અફસોસ કરતા વિચાર્યું, “ઈનામમાં મળેલા અડધા પૈસા મારે આપી દેવા પડશે.” તેને પંખીને મળવું ન હતું તેથી બીજો રસ્તો લીધો.

તેણે વિચારપૂર્વક નાણા રોક્યા અને શ્રીમંત બની ગયો. આંખના પલકારામાં પાંચ વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ સાંજે રાજાનો સેનાપતિ દોડતો દોડતો રાજુના ઘરે આવ્યો અને કહ્યું, “રાજાએ બીજું સ્વપ્ન જોયું છે. તેમણે સ્વપ્નમાં એક લોહીથી ખરડાયેલી કટાર પોતાના માથા પર ગોળ – ગોળ ફરતી જોઈ છે.” રાજુ ગભરાયો અને જે પંખીએ પહેલાં રાજાના સ્વપ્નનું અર્થઘટન કર્યું હતું તેને વડલાના વૃક્ષ પર શોધવા ગયો. જેવો તે વડલાના વૃક્ષ પાસે પહોંચ્યો તેવો તેણે જાણીતો અવાજ સાંભળ્યો, “શું હું તને સ્વપ્નનો અર્થ કહું તો તું મને અડધું ઈનામ આપશે?’ રાજુએ વચન આપ્યું. પંખીએ કહ્યું, “કટારી હિંસાની નિશાની છે. તેથી તેઓ પોતાનું રક્ષણ કરે.” આ વખતે રાજુ ૧૦૦૦ સોનાના સિક્કા જીત્યો. આ વખતે પણ તેને પંખીના ઉપકારનો બદલો નહોતો વાળવો, પણ તેને ડર હતો કે પંખી રાજાને જાણ કરી દેશે તો. જ્યારે તે વડલાના વૃક્ષ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે પંખીને પથ્થર માર્યો. પરંતુ પંખી નસીબદાર હતું કે તેને પથ્થર વાગ્યો નહીં.

આ વાતનો થોડા વર્ષો પસાર થઈ ગયા. રાજુ તો આ વાત ભૂલી ગયો હતો. ત્યાં રાજાને એક ત્રીજું સ્વપ્ન આવ્યું. રાજાએ સ્વપ્નમાં એક કબૂતરને તેના ખોળામાં જોયું. રાજુ પાછો પંખીની સલાહ લેવા ગયો. ત્યારે પંખીએ જવાબ આપ્યો, કબૂતર શાંતિનું પ્રતીક છે. આ વખતે રાજુને ૧૦,૦૦૦ સોનાના સિક્કા ઈનામમાં મળ્યા. તેણે બધા જ પૈસા પંખીને અર્પણ કરી દેવાનું નક્કી કર્યું. પંખીને તેની જરૂરત ન હતી. રાજુને પોતાના કાર્ય માટે ખૂબ પસ્તાવો થયો હતો તેથી તેણે પંખીને કહ્યું, “મહેરબાની કરીને મને ક્ષમા કર.” પંખીએ કહ્યું, “પહેલા પ્રસંગ વખતે વાતાવરણમાં  વિશ્વાસઘાત હતો અને તે મારો વિશ્વાસઘાત કર્યો. બીજી વખત વાતાવરણમાં હિંસા હતી અને તું હિંસક બન્યો. અને અત્યારે વિશ્વાસ છે અને તેં એ પ્રમાણે વર્તન કર્યું. ઘણા લોકો પોતાના અંતર આત્માની ઈચ્છા પ્રમાણે વર્તે છે.

અવાર-નવાર આપણી આસપાસ રહેતા લોકોની અને વાતાવરણની અસર આપણા પર પડે છે. જ્યારે આપણે હકારાત્મક વિચારો ધરાવતા લોકોની સંગતમાં હોઈએ છીએ ત્યારે આપણામાં વાસ્તવિકતાનો વિકાસ થાય છે. નકારાત્મક વિચાર ધરાવતા લોકો અને તેવી પરિસ્થિતિ આપણને નિર્બળ બનાવે છે. તેથી આપણે વાસ્તવિકતાનો વિકાસ થાય એવી સંગત મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.