Archives

સંપતિ કે શાંતિ

રામુ એક ગરીબ પણ સંતોષી અને આનંદિત માણસ હતો.રામુ મોચીકામ કરી ગુજરાન ચલાવતો હતો.સવારથી સાંજ સુધી ગીતો ગાતા ગાતા પોતાનું કામ કર્યે જતો હતો. 

એક ધનવાન  માણસ હમેશાં એ રસ્તેથી પસાર થતો હનો. રામુને સખત મહેનત કરતો જોઇ અેને દુ:ખ થતું હતુ. ધનવાન માણસને રામુને મદદ કરવાની ઇચ્છા થઇ. એક દિવસ એણે રામુને કહ્યું,” તું કેટલી મહેનત કરે છે,તારી આવક પણ વધારે નહિ હોય તારી જીંદગિ બહુ કષ્ટભરી હશે”. રામુએ જવાબ આપ્યો,” હું જરુરિયાત જેટલું કમાઇ લઇ છુ અને હું સુખી, સંતોષી છુ”.

બીજે દિવસે ધનિક માણસે રામુને દસહજાર રૂપિયા ભરેલી થેલી આપી કહ્યું,” દુ:ખભરી સ્થિતિમાંથી મુક્તિ મેળવ”. રામુને આશ્ચર્ય થયું, એણે આભાર વ્યક્ત કરી પૈસા લેવાની ના કહી. ધનિક માણસે કહ્યું, મુશ્કેલ સમયમાં રામુ  એ પૈસાનો ઉપયોગ કરી શકે છે.ગદ્ગદિત થઇ રામુએ પૈસાની થેલી લઇ લીધી.

રામુના મનમા આટલા બધા પૈસા કયા અને કેવી રીતે સાચવવા તે વિચારમાત્રથી ભય ઉત્પન્ન થયો.લાંબા વિચાર બાદ ઝૂંપડીમાં ખાડો ખોદી એમા પૈસાની થેલી સંતાડી દીધી. પૈસા સંતાડ્યા બાદ પણ એ ચોરાવાનો ભય સતાવતો રહ્યો.ભયને લીધે રામુને ઊંઘ ન આવી.થોડા દિવસો ઊંઘ વિના અને ડર સાથે પસાર થઇ ગયા.રામુના શરીર પર અને મન પર અસર પડી. રામુ પહેલાની જેમ ગીતો ગાવાનું અને આનંદિત રહેવાનું ભૂલી ગયો. કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો.રામુને ખ્યાલ આવ્યો, એની પાસે પૈસા છે પણ સુખશાંતિ છીનવાઇ ગયા છે. 

સાર: એમ કહેવાય છે,” પૈસા આરામદાયક પથારી એરકન્ડીશન કમરો વગેરે અપાવી શકે પણ નિદ્રા નહિ”. પૈસા કમાવવાનું મુશ્કેલ છે પણ વધારેના પૈસા સાચવવાનું એનાથી પણ વધારે કઠિન છે. પૈસાથી સુખશાંતિ મળે છે પરંતુ જરુરત કરતા વધારે પૈસા ભય અને અસલામતિ લાવે છે.આપણી જરુરિયાતો માટે પૈસા જરુરી છે, થોડા વધારે હોય તો બીજાને મદદરુપ થઇ શકાય. ઘણા વધારે પૈસા ભય અને અસલામતિ લાવે છે.આ શ્ર્લોકમા જરુરત કરતા વધારે પૈસાના દુષ્પરિણામ વિષે સમજાવે છે.

અર્થ એટલે ધન, સત્તા સંપતિ વગેરે. પુરુષાર્થ એટલે મનુષ્યો દ્વારા ઇચ્છાથી પ્રાપ્ત કરેલી સંપતિ.આદિ શંકરાચાર્ય કહે છે, અર્થ એટલે અનર્થ,એટલે અનિચ્છનીય અને વિપત્તિકારક.

સામાન્ય માણસોની સમજ છે,અર્થ જિંદગીમાં સુખશાંતિ લાવે છે પણ શંકરાચાર્ય સમજાવે છે અર્થ હમેશાં આપત્તિ લાવે છે. ઋુષિમુનિઓ ધન, ભૌતિક સુખો અને અગણિત ઇચ્છાઓને વિનાશકારક ગણાવે છે શા માટે? કારણકે પૈસા મેળવવા કઠિન પરિશ્રમ કરવો પડે છે. પૈસાની જરુરિયાત સંતોષાતી જ નથી, બીજા વધારે પૈસાવાળા સાથે સરખામણી કરે છે.જરુરિયાત કરતા વધારે પૈસાથી મનુષ્ય ભય, ચિંત્તા અને અસલામતિ અનુભવે છે. ઘણીવાર બીજા માણસો તરફથી ભય અને ઈર્ષાના વહેમનો શિકાર બંને છે.

પૈસા માણસોનો બીજા પરનો વિશ્વાસ તોડાવે છે,અંગત સગાઓમા ભાગલા પડાવે છે. સંતાનો પોતાનું ઘડપણ બરાબર સાચવશે નહિ એ ડરથી વૃદ્ધ માવતર પૈસા પકડી રાખે છે અને સંતાનો પૈસા ખાતર માતપિતાની દુનિયામાંથી વિદાય લેવાની રાહ જુએ છે.સંતાનો અને માવતર વચ્ચે જે પ્રેમ હતો તે પૈસાને કારણે નષ્ટ થઇ જાય છે.

આ શ્ર્લોક લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ વર્ષ પહેલા લખાયો છે પરંતુ આજની પરિસ્થિતિમાં પણ એટલો જ અનુરૂપ છે. એ જ બતાવે છે કે મનુષ્યોની મનોવૃત્તિમાં ખાસ ફરક પડ્યો નથી. 

આપણે અર્થ કેટલો અનર્થ લાવી શકે તે જોયું પણ એનો અર્થ એવો નથી કે પૈસા હોવા જ ન જોઇએ. જીવનની મુળભૂત જરુરિયાત માટે પૈસાની જરુર છે પરંતુ પૈસાના ગુલામ ન બનવું જોઇએ. પૈસાના લોભ પાછળ માણસ આંધળી દોટ મૂકે છે અને જિંદગીનો હેતુ જ ભૂલી જાય છે. પૈસાના માલિક બનો ગુલામ નહિ.

http://saibalsanskaar.wordpress.com