શ્રી આદિ શંકરાચાર્યના ત્રણ પાપો

નૈતિક મૂલ્ય : સત્ય

ગુણ : સનાતન સત્ય, વિચાર, શબ્દો અને કર્મની એકસૂત્રતા

શ્રી આદિ શંકરાચાર્ય એક દિવસ કાશીસ્થિત શ્રી વિશ્ર્વનાથ મંદિરમાં પોતાના શિષ્યો સાથે દર્શન કરવા ગયા. પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ સીધા જ મંદિરમાં શ્રી વિશ્ર્વનાથની મૂર્તિ સામે હાથ જોડી બેઠા અને ભગવાન પાસે પોતે કરેલા ત્રણ પાપોની માફી માંગી. આ સાંભળી શિષ્યો આશ્ચર્યથી વિચારી રહ્યા, એવા ક્યા પાપોની આચાર્ય માફી માંગી રહ્યા છે?

એક શિષ્ય જિજ્ઞાસા રોકી ન શક્યો અને આચાર્યને પાપો વિષે પૂછયું. શ્રી આદિ શંકરાચાર્યએ  સમજાવ્યું,”હું વિશ્ર્વાસ રાખું છું, ભગવાન સર્વવ્યાપી છે. ઘણીવાર મારાં પ્રવચનોમાં કહું  છું અને લખાણમાં લખું છું, તે છતાં જાણે ભગવાન  ફકત કાશી વિશ્ર્વનાથના મઁદિરમાં જ હોય એમ દૂરથી એમનાં દર્શન કરવા આવ્યૉ. આ દર્શાવે છે, મારાં શબ્દો અને આચરણ એકબીજાથી અલગ છે. એ મારુ પહેલુ પાપ.

તૈત્રિય ઉપનિષદ કહે છે,” યતો વાચો નિવર્તન્તે, અપ્રાપ્ય માનસ સહ (ભગવાનને વર્ણવવા,માણસના શબ્દો અને બુદ્ધિ ઓછા પડે છે)”. મને ખબર છે, ભગવાન આપણાં શબ્દો અને બુદ્ધિથી પર છે. આ જાણવા છતાં પણ મેં શ્રી કાશી વિશ્ર્વનાથ અષ્ટકમમાં ભગવાનને વર્ણવવાનો પ્રયત્ન કર્યો. મેં ફરીથી , હું જે શીખવાડું છું, તેવું મારૂં આચરણ નથી, તે મારું બીજુ પાપ”.

“નિર્વાણ સૂકત”માં મેં સાફ શબ્દોમાં લખ્યું છે, ” ન પુણ્યમ ન પાપમ્, ન સૌખ્યમ્ ન દુ:ખમ્ ન મંત્રો ન તીર્થંમ્ ન વેદા ન યજ્ઞ:. અહંમ્ ભોજનમ્ નૈવ ભોજયમ્  ન ભોકતા, ચીદાનંદ રુપ: શિવોહમ્ શિવોહમ્”.એનો અર્થ, આત્મા માટે કોઈ પાપ કે પુણ્ય નથી, સુખ કે દુ:ખ નથી, આત્માને મંત્રો, તીર્થ, વેદો કે યજ્ઞોની જરુર નથી. હું ભોજન, ભોગ્ય કે ભોક્તા પણ નથી. હું તો ફક્ત મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરુપ આત્મા છું. આ બધું લખ્યા બાદ હમણાં હું ભગવાનની સામે મારા પાપોની ક્ષમા માગવા પ્રાર્થના કરી રહ્યો છું તે મારું ત્રીજુ પાપ”.ખટ

બોધ

ઉપર દર્શાવેલ પ્રસંગો સર્વને એક ગહન આંતરદ્રષ્ટિ બક્ષે છે, વિચાર, શબ્દો અને કર્મની એકસૂત્રતાની મહત્તા. પરમ સત્યને પામવા , વિચાર, શબ્દો અને કર્મની એકસૂત્રતા જાળવવી બહુ જરુરી છે. આપણા અંત:કરણના ભાવ સાચા હોય પરંતુ લોકો આડંબરભર્યા બાહ્ય વર્તનને જ સત્ય માને છે. ભગવાન માણસના અંત: કરણની નિર્મળતા જુએ છે.

એમ કહેવાય છે,” માનસ એકમ્ વાચસ એકમ્, કર્મણ એકમ્ મહાત્મનમ્, માનસ અન્યથ વાચસ, અન્યથ, કર્મણ અન્યથ દુરાત્મનમ્”.સંત મહાત્માઓ હંમેશા વિચાર, શબ્દો અને કર્મની એકસૂત્રતા પ્રમાણે જીવન પસાર કરે છે, જ્યારે દંભી લોકોનું વર્તન એમના વિચારો અને શબ્દોથી અલગ હોય છે. આ બધું જાણ્યા અને સમજ્યા બાદ વિચારો અન શબ્દો પ્રમાણે વર્તવાની સાધના કરવી જોઇએ.

One thought on “શ્રી આદિ શંકરાચાર્યના ત્રણ પાપો

Leave a comment