નિષ્કામ કર્મ કરો / મૂલ્ય : સમજદારી

king

એક વખતની વાત છે. એક હતા રાજા. તેને તેના એશોઆરામ ખૂબ પ્રિય હતા. તે દરરોજ સ્વાદિષ્ટ ભોજન આરોગતા અને લાલ ગુલાબની પાંદડીઓથી છવાયેલા પલંગ પર સૂતા.

એક દિવસ તે રાજા તેના ચુનંદા સૈનિકો સાથે શિકાર કરવા ગયા. king hunting
તેઓને શિકાર કરવાની ખૂબ મજા આવી. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. તેઓ નગરમાં પાછા જવા નીકળ્યા. આકાશમાં અંધારું છવાઈ ગયું હતું. બધા ઘોડાઓ નગર તરફ પૂરપાટ જઈ રહ્યા હતા. રાજાને થોડીવાર પછી ખ્યાલ આવ્યો કે તેઓ પોતાની ટુકડીથી અલગ થઈ ગયા છે. તેમના સૈનિકોએ પણ રાજાને શોધવાની ઘણી કોશિશ કરી પણ તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો. અંતે તેઓ થાકીને લોથપોથ થઈ ગયા અને રાજ્યમાં પાછા ફર્યા.

બીજી બાજુ શિકારની શોધમાં કરેલી રઝળપાટને કારણે રાજા પણ થાકીને લોથપોથ થઈ ગયા હતા અને ભૂખના કારણે જાણે અધમૂવા થઈ ગયા હતા. અણધારી આવી પડેલી મુસીબતથી રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આવી હાલતમાં પણ તેમણે એક આશ્રમ દેખાયો ત્યાં સુધી ઘોડો દોડાવે રાખ્યો. જ્યારે તેઓ આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેમણે એક પંડિતને પ્રાર્થના કરતા જોયા. saintતેમણે પંડિતને પોતાની દશા જણાવી અને પ્રાર્થના કરી કે તેમને પોતાના રાજ્યમાં પહોંચવા માટે મદદ કરે. આ સાંભળીને પંડિતે સ્મિત કર્યું અને કહ્યું, “હું તમને એક એવો મંત્ર શીખવાડું છું જેનો તમારે ૪૦ દિવસ સુધી એક સળગતી રીંગની વચ્ચે ઊભા રહીને જપ કરવાનો.” રાજાએ બહુજ જલદી તે મંત્ર શીખી લીધો અને પંડિતના કહ્યા પ્રમાણે કર્યું.

૪૦ દિવસની તપશ્ચર્યા પછી પણ કંઈ પરિણામ ન આવ્યું. તેથી રાજાએ પંડિતને તે વિશે પૂછ્યું. તે સાંભળીને પંડિતે રાજાને બીજા ૪૦ દિવસ સુધી નદીના ઠંડા પાણીમાં ઊભા રહીને મંત્ર જપવાનું કહ્યું. બીજા ૪૦ દિવસ સુધી મંત્ર જપ કર્યા પછી પણ તેનું કંઈ પરિણામ ન આવ્યું ત્યારે રાજાને લાગ્યું કે તેમની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેથી રાજા ખૂબ જ દુઃખી અને નિરાશ થઈ ગયા. રાજાએ પાછી પંડિત સાથે વાત કરી ત્યારે પંડિતે રાજાને સમજાવ્યું કે તેમણે મંત્રજાપ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના ફળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેથી તેમને સફળતા ન મળી.

દરેક કાર્ય આપણને કંઈક શીખવાડે છે કારણકે ફક્ત કાર્ય જ મહત્વનું નથી પણ તે કાર્ય કઈ રીતે પૂરું કરીએ છીએ તે પણ એટલું જ મહત્વનું છે. આપણે ફળની આશા રાખ્યા વગર દરેક કાર્ય સમજીને, આનંદપૂર્વક અને એકાગ્રતાથી કરવું જોઈએ.

પ્રેમ કોને કહેવાય / નૈતિક મૂલ્ય: પ્રેમ / સદગુણ: નિસ્વાર્થ સેવા

સવારના ૮.૩૦ વાગ્યા હતા. હોસ્પિટલમાં લોકોની ખૂબ ભીડ હતી. બધા કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. એક વૃદ્ધ ત્યાં પોતાના અંગૂઠાના ટાંકા તોડાવવા આવ્યા હતા. તેમણે એક કર્મચારીને વિનંતી કરી કે પહેલાં તેમના ટાંકા તોડી આપે  કારણકે તેમને બહુ મોડું થતું હતું. તેમને ૯ વાગે કોઈને મળવા જવાનું હતું. તેઓ વારેઘડીએ પોતાની ઘડિયાળમાં જોયા કરતા હતા. એક કલાક પહેલાં તેમનો વારો આવે તેવું લાગતું ન હતું.

મને તે વૃદ્ધ માણસની દયા આવી. મેં તેમને તપાસવાનું નક્કી કર્યું અને તેમને મારા ઓરડામાં બોલાવ્યા. તેમનો ઘા તપાસ્યો અને તેમના ટાંકા તોડી આપ્યા. તેમનો ઘા રૂઝાઈ ગયો હતો. મેં તેમના ઘા પર દવા લગાડીને પાટો બાંધી આપ્યો. પાટો બાંધતા-બાંધતા હું તેમની સાથે વાતો કરવા લાગ્યો. વાતો કરતા મને જાણવા મળ્યું કે તેમને નર્સિંગ હોમમાં તેમની પત્ની સાથે સવારનો નાસ્તો કરવા જવું હતું. આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી.

તેમની પત્ની વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે ઘણા લાંબા સમયથી તેમની પત્ની નર્સિંગ હોમમાં છે અને તે માનસિક રોગથી પીડાય છે. મેં તેમને પૂછ્યું, “શું તમે થોડા મોડા પહોંચશો તો તમારી પત્ની તમને ગુસ્સો કરશે?” તેમનો જવાબ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. તેમણે કહ્યું,”મારી પત્ની છેલ્લા પાંચ વર્ષથી મને ઓળખતી નથી.” મેં આશ્ચર્યથી તેમને પૂછ્યું, “તમારી પત્ની તમને ઓળખતા પણ નથી અને છતાં તમે દરરોજ સવારે તેમને મળવા જાવ છો.” તેમણે મારી સામે સ્મિત કર્યું અને કહ્યું, “તે મને નથી ઓળખતી પણ હું તો તેને ઓળખું છું ને!”

માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રેમ કરવો એ કળા છે. પરંતુ પ્રેમ નિભાવવો એ સાધના છે.

પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે / નૈતિક મૂલ્ય: આશાવાદ / સદગુણ: મક્કમતા

એક દિવસની વાત છે. એક દેડકો ખેતરમાં કૂદાકૂદ કરતો હતો. અચાનક તેનું ધ્યાન અનાજ રાખવાના કોઠાર પર ગયું. તે કૂદતો કૂદતો અનાજના કોઠારમાં પહોંચી ગયો. કોઠારની અંદર અનાજના ઢગલા જોઈને તે ખુશીથી પાગલ થઈ ગયો અને ચારે બાજુ દોડાદોડી કરવા લાગ્યો. કોઠારમાં એક દૂધથી અડધી ભરેલી બાલદી પડી હતી. દેડકાનું તે તરફ ધ્યાન ન હતું.

અચાનક દેડકો બાલદીમાં પડ્યો. બાલદીમાં પડવાથી ગભરાઈ ગયો અને બાલદીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. પણ તેને સફળતા ન મળી. તે ખૂબ હતાશ થઈ ગયો કારણકે દૂધની બાલદી ઘણી મોટી હતી. તેણે તેના પાછલા પગને ફેલાવ્યા જેથી તે બલદીના તળિયાને અડી શકે અને પોતાને ઉપરની તરફ ધકેલી શકે. પણ બાલદી ઘણી ઊંડી હતી અને તેના પગ નીચે સુધી પહોંચતા ન હતા. છતાં પણ દેડકાએ સંકલ્પ કર્યો કે બહાર નીકળવા માટે હું આકાશ પાતાળ એક કરી દઈશ પણ હાર તો નહીં જ માનું.

તે બહાર નીકળવા માટે સતત સંઘર્ષ કરતો જ રહ્યો. આમ સતત પ્રયત્ન કરવાથી અંતે દૂધનું માખણના એક મોટા ટુકડામાં રૂપાંતર થઈ ગયું. માખણનો પીંડો થોડો કઠણ હોવાને કારણે દેડકો તેના પર ચઢીને બાલદીની બહાર નીકળી ગયો.

સતત પ્રયત્ન કરવાથી સફળતા અવશ્ય મળે છે. આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ કરે છે.

 

બહાદુર રાજા / નૈતિક મૂલ્ય: સકારાત્મક દષ્ટિકોણ / સદગુણ: આશાવાદ

એક હતો રાજા. તે ખૂબ બહાદુર હતો. એક દિવસ દુશ્મન દેશના રાજા સાથે લડતા-લડતા તે ઘાયલ થઈ ગયો.  તેણે યુદ્ધમાં પોતાની એક આંખ અને એક પગ ગુમાવ્યા. પણ તે હિંમત ન હાર્યો અને અંતે તેણે દુશ્મન દેશના રાજાને હરાવ્યો.

તે દેશની પ્રજાને પોતાના રાજા માટે ઘણું માન હતું. તેઓ પોતાના રાજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ હંમેશાં રાજાનો પડ્યો બોલ ઉપાડવા તૈયાર રહેતા. એક દિવસ રાજાએ તેના રાજ્યના ચિત્રકારોને રાજમહેલમાં બોલાવ્યા અને કહ્યું કે તમે લોકો મારું એક આકર્ષક ચિત્ર દોરો. આ સાંભળીને બધા ચિત્રકારો રાજાનું ચિત્ર દોરવા તૈયાર થઈ ગયા. પણ એક વાતે તેમને મૂંઝવણમાં મૂકી દીધા કે અપંગ રાજાનું આકર્ષક ચિત્ર કેવી રીતે દોરવું. ઘણાં ચિત્રકારોએ કોશિશ કરી પરંતુ કોઈને એમાં સફળતા મળી નહીં. તેઓ હતાશ થઈ ગયા. અંતે એક ચિત્રકારે રાજાની આકર્ષક તસ્વીર કેવી રીતે બનાવવી તે વિચારી લીધું.  તે ચિત્રકારે રાજા પોતાની એક આંખ બંધ કરીને અને એક પગ વાળીને શિકાર કરવા માટે ઘોડા ઉપર બેઠો છે અને પોતાનું લક્ષ્ય સાધી રહ્યો છે એવું ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર ખૂબ જ સુંદર બન્યું. આ ચિત્ર જોઈને લોકોએ ચિત્રકારની બુદ્ધિના ખૂબ વખાણ કર્યા. જ્યારે રાજાએ આ ચિત્ર જોયું ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમને ચિત્રકારની કાબેલિયત પર ગર્વ થયો. તેમણે ચિત્રકારને ઈનામ આપ્યું.

ચિત્રકારની જેમ આપણે પણ જ્યારે બીજાનું વર્ણન કરીએ ત્યારે તેઓની દુર્બળતા છુપાવીને તેના સદગુણો પર વિશિષ્ટ ધ્યાન આપવું જોઈએ.

સંતોષી નર સદા સુખી / નૈતિક મૂલ્ય: ઈમાનદારી / સદગુણ: સત્ય

આ થોડા વરસો પહેલાંની વાત છે. એક દિવસ હું બહારગામ જતો હતો. અંધારૂ થવાની તૈયારી હતી. ચોમાસાની ઋતુ હતી અને ભયંકર વાવાઝોડુ શરૂ થયું. ધોધમાર વરસાદ પડવા લાગ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ડ્રાઈવરને ગાડી ચલાવવામાં સખત મુશ્કેલી પડતી હતી. તેથી ડ્રાઈવરે એક નાના ગામ પાસે ગાડી ઊભી રાખી અને કહ્યું, ‘સાહેબ હવે આગળ જઈ નહીં શકાય. અહીંજ રાહ જોવી પડશે.’ મેં ડ્રાઈવરને કહ્યું કે ચાલ આખી રાત ગાડીમાં બેસવા કરતા આપણે રાતવાસો કરવા માટે જગ્યા શોધીએ. મને થોડી ચિંતા થતી હતી કે અજાણી જગ્યામાં રાતવાસો કરવા ક્યાં ફાં ફાં મારશું. પણ મેં વિચારો તરફ આંખ આડા કાન કર્યા. અમે  છત્રી ખોલી અને ધોધમાર વરસાદ અને અંધારાની પરવા કર્યા વગર ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા ત્યાં મારી દ્રષ્ટિ એક નાના ગામડા પર પડી. ગામ બહુ નાનું હતું. ત્યાં વીજળી પણ ન હતી.  અંધારામાં ચાલતા હતા ત્યાં જ  મારી નજર એક મંદિર પર પડી. મંદિર જોઈને મારા જીવમાં જીવ આવ્યો. મેં વિચાર્યું રાતવાસો કરવા માટે આ જગ્યા બરાબર છે. અને હું મંદિરમાં જવા તૈયાર થયો.

હું થોડા પગલા ચાલ્યો હોઈશ ત્યાં તો  પવનનો વેગ વધ્યો અને વધારે ધોધમાર વરસાદ પડવા લાગ્યો. મારી છત્રી પણ કાગડો થઈને ઊડી ગઈ અને હું આખો ભીંજાઈ ગયો. ભીંજાયેલી હાલતમાં જ  હું મંદિરના દ્વાર પર પહોંચ્યો. જ્યારે હું મંદિરના દ્વાર પાસે ઊભો  રહ્યો ત્યારે મેં એક વૃદ્ધ વ્યક્તિનો આવાજ સાંભળ્યો જે મને અંદર આવવાનું કહેતા હતા. મેં દીવાના પ્રકાશમાં જોયું તો તે વૃદ્ધની બાજુમાં તેમના પત્ની પણ ઊભા હતા. તે દંપતી દેખાવ ઉપરથી  ખૂબ ગરીબ લાગતા હતા. તેમણે મને એક કોરો ટુવાલ આપ્યો. મારી દ્રષ્ટિ મંદિર પર પડી અને જોયું કે તે ભગવાન શંકરનું મંદિર હતું. અને તેમાં એક સુંદર શિવલિંગ હતું. તેની બાજુમાં એક નાનો દીવો પ્રગટાવેલો હતો. તે દીવાની જ્યોત મને ઈશ્વરના અસ્તિત્વનો ભાસ કરાવતી હતી. મારી જિંદગીનો આ પહેલો અનુભવ હતો કે જ્યારે મેં ઈશ્વરને આટલા નજીકથી જોયા હોય. હું ભક્તિના રસમાં ડૂબી ગયો અને મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા કે ભગવાન શંકરની આરતી કરો. તેમણે બહુ જ  પ્રેમથી ભગવાનની આરતી કરી.

આરતી કરીને અમે અલકમલકની વાતોએ વળગ્યા વરસાદ ધીરે-ધીરે ધીમો પડી ગયો હતો. મેં જિજ્ઞાસાપૂર્વક તેમને તેમના વિશે પૂછ્યું. તેઓનું ગામ, મંદિર અને શું તેમનું કોઈ ધ્યાન રાખવાવાળું છે કે નહીં. અંતમાં મેં એ લોકોને કહ્યું, “તમે બન્ને વૃદ્ધ છો. તમારી રોજની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ કમાવવાવાળું નથી. વૃદ્ધાવસ્થામાં માણસને દવાઓની વધારે જરૂર પડે છે.

એ સમયે અમે લોકોએ વૃદ્ધાવસ્થા માટે એક પેન્શન યોજના કરી હતી. “તમે મારી એક વાત માનશો?” ત્યારે તેમના પત્નીએ કહ્યું, “બેટા તું અમને વિના સંકોચે કહી શકે છે.” મેં કહ્યું, “હું તમને પૈસા મોકલાવીશ તમે કોઈ રાષ્ટ્રીય બેંક કે પોસ્ટ ઓફીસમાં જમા કરજો. એમાંથી તમને જે વ્યાજ મળે તે તમને ઘર ખર્ચમાં કામ લાગશે અને તમે તેનો ઉપયોગ તબીબી સારવાર માટે પણ કરી શકશો.”

તે વૃદ્ધ વ્યક્તિએ મારી વાત સાંભળીને સ્મિત કર્યું અને તેઓ બોલ્યા, “અમને પૈસાની જરૂરત નથી. અમારા ગામના લોકો દયાળુ છે. હું તેઓના ઘરે પૂજા કરવા જાઉં  છું. અને તેના વળતર રૂપે તેઓ મને ચોખા આપે છે અને જો અમારા બન્નેમાંથી  કોઈ બીમાર પડે તો ગામનો ડોક્ટર અમને દવાઓ આપે છે. અમારી જરૂરિયાત ઘણી થોડી છે અને અમે માનીએ છીએ કે સંતોષમાં જ સુખ છે. તેથી અમે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી શું કામ પૈસા સ્વીકારીએ. તું એક અજાણી વ્યક્તિને મદદ કરવા માટે તૈયાર થયો એ તારી મહાનતા છે. અમને કોઈ ચીજની  જરૂર નથી.”

ઈશ્વર ઉપરનો સંપૂર્ણ વિશ્વાસ આપણી જિંદગીમાં આનંદ અને સુખ લાવે છે. આજનો માનવી ભૌતિક ઈચ્છા રાખીને અસંતોષી જીવન જીવે છે. આપણી આશાઓ અને ઈચ્છાઓનો તો કોઈ અંત જ નથી. જો આપણી ઈચ્છાઓ પૂરી ન થાય તો આપણે દુઃખી થઈએ છીએ. તેથી જીવનમાં જેટલી ઓછી ઈચ્છા અને આશા રાખીશું તેટલો વધારે આનંદ અને સંતોષ મળશે.

સુખદ પળોનું સ્મરણ / નૈતિક મૂલ્ય: દ્રઢ મનોબળ / મૂલ્ય – આશાવાદ

 

આ એક ૯૨ વર્ષની મહિલાની વાત છે. તેમનું નામ મીસીસ જ્હોન હતું. તેઓ સરળ અને પ્રેમાળ સ્વભાવના હતા. થોડા સમય પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું. તેઓ એકલા થઈ ગયા હતા. એમનું ધ્યાન રાખે એવું કોઈ હતું નહીં. તેથી આજે તેમને નર્સિંગ હોમમાં લઈ જતા હતા.

ત્યાં પહોંચ્યા પછી તેઓ નર્સિંગ હોમના કક્ષમાં ધીરજથી તેમનો ઓરડો તૈયાર થવાની રાહ જોઈને બેઠા હતા. થોડીવારમાં ઓરડો તૈયાર થતા હું તેમને તેમના ઓરડામાં લઈ જવા આવ્યો. તેઓ વોકરની મદદથી લીફ્ટ તરફ જઈ રહ્યા હતા. ચાલતા-ચાલતા હું તેમની સાથે ઓરડો કેવો છે તે વિશે વાત કરતો હતો. જેમ એક નાની આઠ વરસની બાળકીને કોઈ અમૂલ્ય ભેટ મળે અને ભેટ જોઈને તે ઉત્સાહિત થાય તેમ પોતાના ઓરડા વિશે સાંભળીને તેઓ ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા, “મને મારો ઓરડો બહુ જ ગમ્યો.” મેં આશ્ચર્યથી કહ્યું, “મીસીસ જ્હોન મેં તમને હજુ ઓરડો તો દેખાડ્યો નથી. તેમણે પ્રેમથી જવાબ આપ્યો, “અરે! તેમાં શું થઈ ગયું. ખુશ થવા માટે તેને જોવાની જરૂર નથી. ખુશી એને કહેવાય જેનો નિર્ણય આપણે પહેલેથી કરી લીધો હોય. મને મારો ઓરડો પસંદ પડ્યો કે નહીં એ ઓરડાની સજાવટ ઉપર નિર્ભર નથી કરતું, મેં મારા મનમાં નિર્ણય કરી લીધો છે કે મને મારો ઓરડો ખૂબ ગમશે. હું એ સંકલ્પ સાથે જ અહીં આવી છું. મારી પાસે બે વિકલ્પ છે. એક આખો દિવસ હું પથારીમાં સૂતા-સૂતા એ વિચારતી રહું કે મારા અંગો હવે શિથિલ થઈ ગયા છે અને હું દુઃખી થઈ જાઉં કે પછી પથારીમાંથી બહાર નીકળીને હું એવો વિચાર કરું કે મારી પાસે જે કંઈ પણ છે તે માટે હું ઈશ્વરને આભારી છું. પ્રત્યેક દિવસ મારા માટે એક ભેટ છે અને જ્યાં સુધી મારું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મારું સંપૂર્ણ ધ્યાન મારી સુખદ પળોને યાદ કરવામાં વીતાવું જે મેં મારી પાછલી જિંદગી માટે સંગ્રહ કરી રાખી છે.”

તેમણે મને સમજાવ્યું, “ઘડપણ એક બેંકના ખાતા જેવું છે. તમે જેમ બેંકના ખાતામાં ધન ભેગું કરો છો અને જરૂરતના સમયે તેમાંથી જ વાપરો છો. તેવી જ રીતે તમારી યાદોના ખાતામાં ઘણી ખુશી ભેગી કરો.” મીસીસ જ્હોનની વાત સાંભળીને મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા. “આવો અમૂલ્ય પાઠ શીખવવા બદલ તમારો આભાર. હવેથી હું પણ મારી યાદોની બેંકમાં મધુર પળોનો સંગ્રહ કરનું શરૂ કરીશ.”

મીસીસ જ્હોને સ્મિત કરીને કહ્યું કે, “ખુશ રહેવા માટે પાંચ મહત્વના સિદ્ધાંતો હમેશાં યાદ રાખો.

૧. તમારા હ્રદયમાં રાગ દ્વેષ ન રાખો.

૨. તમારા મનને ખુશ રાખો.

૩. સાદું જીવન જીવો.

૪. બીજાને ખૂબ પ્રેમ આપો.

૫. કોઈની પાસેથી અપેક્ષા ન રાખો.

અંધ બાળક / નૈતિક મૂલ્ય: અંતરદ્રષ્ટિ / સદગુણ: માનવતા

એક દિવસની વાત છે. એક અંધ બાળક ફૂટપાટ ઉપર બેઠો હતો. તેના પગ પાસે એક ટોપી અને કાર્ડબોર્ડ પડ્યું હતું. કાર્ડબોર્ડ પર લખ્યું હતું, “હું આંધળો છું, મહેરબાની કરીને મને મદદ કરો.” તે ફૂટપાટ પર લોકોની ખૂબ અવર-જવર હતી. પરંતુ ભાગ્યેજ કોઈ તેની ટોપીમાં પૈસા મૂકતું હતું. લોકો તેના તરફ નજર કરતા અને આંખ આડા કાન કરીને જતા રહેતા. તેની ટોપીમાં બહુ થોડા સિક્કાઓ હતા. એટલામાં એક ભલો માણસ ત્યાંથી પસાર થયો. તેણે ખીસામાંથી છુટ્ટા પૈસા કાઢ્યા અને ટોપીમાં નાખ્યા. તેની નજર બાજુમાં પડેલા કાર્ડબોર્ડ પર પડી. તેણે લખાણ વાંચ્યું અને તેમાં સુધારો કર્યો. અને કાર્ડબોર્ડને એવી રીતે રાખ્યું જેથી ત્યાંથી પસાર થતા લોકોની નજર તેના પર પડે. પછી તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો. થોડાજ સમયમાં ટોપી પૈસાથી ભરાવા લાગી. હવે બપોર પડી ગઈ. પેલો માણસ ફરીથી ત્યાંથી પસાર થયો. આંધળા બાળકે તેના પગલા ઓળખી લીધા. બાળક તરત જ બોલ્યો, “અરે! ભાઈ તમે આ કાર્ડબોર્ડ પર શું લખ્યું છે કે આજે મારી ટોપી પૈસાથી છલકાઈ ગઈ.”

તે ભલા માણસે નમ્રતાથી જવાબ આપ્યો, “મેં તો તેમાં માત્ર સત્ય જ લખ્યું છે. મેં તારા શબ્દોને થોડી જુદી રીતે લખ્યા છે.” તે વ્યક્તિએ કાર્ડબોર્ડ પર લખ્યું હતું, “ આજનો દિવસ બહુ સુંદર છે. પણ હું તેને જોઈ નથી શકતો.” શું હકીકતમાં એ બન્ને વાક્યો એક જ સંદેશો દર્શાવતા હતા? પહેલો સંદેશો ફક્ત એટલું કહેતો હતો કે તે છોકરો અંધ છે. જ્યારે બીજો સંદેશો લોકોને કહેતો હતો કે તે છોકરો અંધ છે અને બીજું ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે તેની કદર કરતા શીખવું જોઈએ અને તે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

આપણે હમેશાં સકારાત્મક વિચાર રાખીને જીવવું જોઈએ. આપણે આપણી સમજ  પ્રમાણે લોકોને સારા રસ્તે જવા માટે પ્રેરિત કરવા જોઈએ. જીવનમાં મુશ્કેલી આવે તો હસીને તેનો સામનો કરવો જોઈએ. એ મુશ્કેલીમાંથી જે શીખવા મળ્યું તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

સાચી મિત્રતા / નૈતિક મૂલ્ય : સત્ય / મૂલ્ય : સભ્ય વર્તન

એક ગામ હતું. તેમાં બે જીગરજાન દોસ્ત રહેતા હતા. તેમના નામ તુષાર અને મહેશ. બન્નેની દોસ્તીની ચર્ચા આખા ગામમાં થતી. એક દિવસ વહેલી સવારે  તુષારે તેના મિત્ર મહેશને ફોન કર્યો. તેણે મહેશને કહ્યું, “મહેશ મને પૈસાની સખત જરૂર છે. તું મને મદદ કરી શકીશ? મારી બા બહુ જ બીમાર છે. અને તેની સારવાર કરવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી.” મહેશે દુઃખ વ્યક્ત કરતા કહ્યું. “તુષાર તારી બાની તબિયતના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. તું ચિંતા નહીં કર. હું જરૂર કંઈ રસ્તો કાઢું છું. તું મને થોડો સમય આપ અને એકાદ કલાક પછી ફોન કરજે.” એમ કહીને તેણે ફોન મૂકી દીધો.

એક કલાક પછી તુષારે મહેશને ફોન કર્યો. પરંતુ તેનો ફોન લાગતો જ  નહોતો. તુષારે ઘણી કોશિશ કરી પરંતુ ફોન ન લાગ્યો. આથી તેણે આશા છોડી દીધી. તેના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. તેણે વિચાર્યું. “ જરૂરતના સમયે તેના મિત્રએ પીઠ બતાવી. તે ખૂબ હતાશ થઈ ગયો. અંતે તેણે તેના બીજા મિત્રોને પૈસા માટે મદદ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈએ મદદ ન કરી. તે થાકી હારીને ઘરે આવ્યો. અને તેની બાની પથારી પાસે બેસી ગયો. તેની બા પથારીમાં આરામથી સૂતા હતા. તેની નજર બાના ઓશીકા પાસે પડી જ્યાં ઘણી બધી દવાઓ પડી હતી. તેને દવાઓ જોઈને ખૂબ નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો, “અરે! પૈસા વગર દવાઓ આવી ક્યાંથી.”

તુષાર તરત જ તેના ભાઈ પાસે ગયો અને પૂછ્યું, “ઘરે કોઈ આવ્યું હતું?” તુષારના ભાઈએ જવાબ આપ્યો, “હા, તમારો મિત્ર મહેશ આવ્યો હતો. પહેલા તે આવ્યો અને મારી પાસે દવાની પરચી માંગી અને પછી તે પવન વેગે ભાગ્યો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં દવાઓ હતી. તે હમણાં જ અહીંથી ગયો.

આ સાંભળીને તુષારની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. તેણે વિચાર્યું, “મેં કેમ મારા મિત્ર પર વિશ્વાસ ન કર્યો.” તેને ખૂબ પસ્તાવો થયો અને તરત જ પોતાના ભાઈને બાની સંભાળ રાખવાનું કહીને મિત્રને શોધવા બહાર નીકળ્યો.

તે જ્યારે તેના મિત્ર મહેશને મળ્યો ત્યારે તેને ભેટી પડ્યો. તેણે તેનો ખૂબ આભાર માન્યો. તુષારે મહેશને કહ્યું, “હું તને ક્યારનો ફોન કરું છું પરંતુ તારો ફોન બંધ જ આવે છે.” મહેશ બોલ્યો, “મેં મારો ફોન વેચી નાખ્યો અને તેના પૈસાથી તારી બા માટે દવાઓ લઈ આવ્યો.” આ સાંભળીને તુષારની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યા.

બોધ- મુસીબતમાં કામ લાગે છે તેજ સાચો મિત્ર.