Archives

સમયનો સદુપયોગ / મૂલ્ય : યોગ્ય વર્તન / સદગુણ : સમયનુંમૂલ્ય

એક છોકરો હતો. તેને ટી.વી. જોવાની ખરાબ લત લાગી હતી. તે આખો દિવસ ઘરમાં બેસીને ટી.વી. જ જોયા કરે. શાળાએ મોડો પહોંચે, ક્યાંય પણ બહાર જવાનું હોય તો પણ તે હમેશાં મોડોજ હોય. તે ટી.વી. જોવામાં એટલો મશગુલ થઈ જાય કે તેને ખાવાપીવાનું પણ ભાન ન રહે અને ટી.વી. જોયા કરે.

એક દિવસની વાત છે. એક ટપાલી તેના ઘરે આવીને પાર્સલ આપી ગયો. પાર્સલ પર કોઈનું નામ ન હતું. તેને ઘણું આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો આ પાર્સલ કોણે મોકલાવ્યું હશે! તેણે પાર્સલ ખોલ્યું તેની અંદરથી એક ચિઠ્ઠી અને ચશ્માં નીકળ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, “આ ચશ્માં થકી તમે સમયને જોઈ શકશો.” તેને કંઈ સમજ પડી નહીં. તેને કૂતુહલ થયું. તેણે ચશ્માં પહેર્યા. તેણે ચશ્માં પહેરીને તેના ભાઈની સામે જોયું. એ જોઇને તે આશ્ચર્ય પામ્યો. તેણે જોયું કે તેના ભાઈના માથા ઉપર પ્રચંડ ફૂલોનો ઢગલો હતો અને એ ફૂલો એક પછી એક જમીન ઉપર પડી રહ્યા હતા. આ માત્ર તેના ભાઈના માથા પર જ નહીં પરંતુ જ્યાં-જ્યાં તેની નજર ફરતી ત્યાં-ત્યાં એજ રીતે ફૂલો પડતા હતા. દરેક વ્યક્તિની વર્તણુક પ્રમાણે ફૂલો વધતા હતા અથવા ફૂલો ઘટતા હતા.

બીજે દિવસે સવારે જ્યારે તે નાસ્તો કરતો હતો ત્યારે અચાનક તેને તે ચશ્માં યાદ આવ્યા. જેવા તેણે ચશ્માં પહેર્યા અને તેણે જે દ્રષ્ય જોયું, એ જોઇને તે એકદમ ભયભીત થઈ ગયો. તેણે જોયું કે તેના પોતાના ફૂલોના ઢગલામાંથી ફૂલોનો સતત પ્રવાહ ટી.વી. ઉપર પડતો હતો અને માત્ર એટલું જ નહીં ટી.વી. એક અતિ વિશાળ રાક્ષસના મુખ જેવું લાગતું હતું. અને એક ભૂખ્યા તરસ્યા રાક્ષસની જેમ ક્રુરતાથી ફૂલોને ખાતું હતું અને જાણે એ ટી.વી. એક જંગલી રાક્ષસ હોય એમ લાગતુ હતું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ટી.વી. ખરેખર શું છે? ત્યારે તેણે નિર્ણય કર્યો કે ટી.વી. તેનો બધો સમય ખાય જાય છે અને આજ પછી એ કદી પણ ટી.વી. નહીં જોવે અને તેનો કીંમતી સમય નહીં વેડફે.

બોધ : સમયને વેડફી નાખવા જેવું મહા પાપ બીજું કોઈ નથી.

મિત્રો, કુદરત આપણને અનેક રીતે, અનેક વખતે સુખી થવાની, આગળ વધવાની તક આપે છે. પણ આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થતી નથી. સફળતા મેળવવા માટે કદમથી કદમ મેળવીને ચાલવું પડે છે.

સમય બરબાદ કરનાર વ્યક્તિ એ ભૂલી જાય છે કે જિંદગી સમયની બનેલી છે. જે સમયને બરબાદ કરે છે તે ખરેખર સમયને નહીં, પણ પોતાની જિંદગીને બરબાદ કરે છે.

સમય બહુ કીમતી છે. તેનો સદુપયોગ કરવો જોઈએ. જેમ કમાનમાંથી નીકળેલું તીર પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ કદી પાછો આવતો નથી.

“ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.”

હસતું- ખીલતું જીવન ક્યારે? / નૈતિક મૂલ્ય: માનવતા / સદગુણ: સભ્ય વર્તન

eknath mharaj

એક ગામડામાં એક મયંક નામનો તોફાની છોકરો રહેતો હતો. તેનાં તોફાનથી આખું ફળિયું તથા ગામ કંટાળી ગયાં હતાં. તે અચાનક એક દિવસ એકનાથ મહારાજના પ્રવચનમાં જઈ ચડ્યો અને મહારાજને વિચિત્ર પ્રશ્ન પૂછી બેઠો, “મહારાજ, તમારું જીવન હસતું-ખીલતું, આનંદી કેમ?”

એકનાથ મહારાજે તેને સાંભળ્યો, પછી શાંતિથી કહ્યું, “તને કહીશ.” આમ, આ વાતને છ મહિના જેટલો સમય વીતી ગયો. પ્રશ્ન પૂછનાર પણ ભૂલી ગયો કે તેણે આવો પ્રશ્ન પૂછ્યો હતો.

એક દિવસ અચાનક એકનાથ મહારાજ સવારે ૪ વાગે તેના ઘરે જઈ ચઢ્યા અને તેને ઊંઘમાંથી ઊઠાડ્યો અને કહ્યું, ” અરે! તું હજી સુધી ઊઠ્યો નથી. તારા પૂછેલા સવાલનો જવાબ આવડી ગયો, તેથી તને કહેવા માટે આવ્યો છું. તોફાની મયંક ઊઠ્યો અને બોલ્યો, “બોલો મહારાજ.” મહારાજ કહે, “આજે શુક્રવાર થયો, આવતા શુક્રવારે તું મરી જવાનો.”

મયંકે વિચાર્યું, “આ તો મારા પૂછેલા પ્રશ્નનો યોગ્ય જવાબ નથી! પણ તેણે સાંભળેલું કે એકનાથ મહારાજ કહે તે થાય જ ! હવે હું એક અઠવાડિયાનો મહેમાન છું. બીજા દિવસથી તેણે સારા સારા કામ કરવાના શરૂ કર્યાં. હવે થોડું જ જીવવાનું છે તો શા માટે વ્યવસ્થિત ન જીવી લઉં.”

તે દરેકનું કામ કરવા લાગ્યો. કોઈનું દવાખાનાનું કામ કરવું, કોઈનો ધક્કો ખાવો, કોઈની પણ સામે બોલવું નહીં. શિક્ષકનું તમામ કામ કરવું વગેરે વગેરે સારા કામ કરવા લાગ્યો. તેમ કરતાં કરતાં શુક્રવાર આવ્યો. આજે સવારથી ખાધું પણ ન હતું. ક્યાંથી ભાવે? સવારે ૧૦ વાગ્યા, ૧૨ વાગ્યા, ૩ વાગ્યા, ૫ વાગ્યા પણ તે મર્યો નહીં. ત્યાં તો એકનાથ મહારાજ આવ્યા. તેમણે મયંકને કહ્યું, “અરે ! તું હજી સુધી મર્યો નથી? મને એમ કે તારા બેસણામાં જઈ આવું. પણ તું તો જીવતો છે. હવે તું મરીશ પણ નહીં.” આ સાંભળીને મયંકના જીવમાં જીવ આવ્યો ! પછી એકનાથ મહારાજે તેને પૂછ્યું, “પણ તું મને એટલું કહે કે તારું અઠવાડિયું કેવું ગયું?” મયંકે પોતે કરેલા સારા કાર્યોની વાત કરી. એકનાથ મહારાજ ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું, “તે જે કામ અઠવાડિયામાં કર્યું તે કામ હું જિંદગીભર કરું છું. તેથી મારું જીવન હસતું-ખીલતું, આનંદી છે.”

આપણે પણ આપણું જીવન હસતું-ખેલતું, આનંદી રાખવું હોય તો જરૂરતમંદોને મદદ કરતા શીખવું પડશે. “માનવ સેવા તે જ પ્રભુ સેવા”

સમયનું મૂલ્ય

rechard
લેખક રિચાર્ડ ચર્ચના લઘુનિબંધોના એક સંગ્રહમાં સરસ પ્રસંગ આલેખ્યો છે:

એક માણસ સમય વિશે ભારે સભાન. સમયપાલનમાં પાક્કો. ફુરસદના સમયમાં પણ એ નિરર્થક પ્રવૃતિઓ કરવાનું રાખતો. સ્વાભાવિક છે કે એનું ધ્યાન ઘડિયાળના કાંટા પર જ રહે. ટ્રેનમાં મુસાફરી કરતાં એક સ્ટેશને કશુંક લેવા ઊતર્યો. ટ્રેનમાં બેસીને સમય જોવા કાંડા પર નજર કરી તો ઘડિયાળ ન મળે.

સ્ટેશન પર ઊતર્યો ત્યારે ગુમ થયેલી એ ઘડિયાળની કિંમત કરતાં એને સમય જાણવાનું મૂલ્ય વધારે હતું. એક-બે વખત સાથેના ઉતારુને સમય પૂછી લીધો, પરંતુ વારંવાર આવું કરવું પણ તેને યોગ્ય લાગ્યું નહીં. આથી સ્ટેશન આવે ત્યારે ટ્રેનની બારીમાંથી ડોકું બહાર કાઢીને આવતા જતા કુલીને સમય પૂછી લે.clock 1

એક સ્ટેશને વિચિત્ર અનુભવ થયો. એક કુલીને સમય પૂછ્યો તો કહે ખબર નથી… આથી ચિડાઈને એ માણસ કહે, “કેમ સ્ટેશન પર ઘડિયાળ નથી?” કુલી કહે, અહીં ઘડિયાળ તો ઘણીય છે, પણ મારે એની સાથે શું લાગે-વળગે? સમય સમયનું કામ કરે છે ને હું મારું કામ કરું છું.” cooly 1

કુલીની વાત સો ટચના સોના જેવી છે. સમયનું મહત્વ ખરું, પણ સમયની પરાધીનતા રાખવી એ ખોટું. સમય વહેતો રહે છે એ સાચું,પણ સમયને પકડમાં લેવાની વાત ખોટી. મૂળ વાત એ છે કે, “મળેલા સમયનું મૂલ્ય એનો ઉપયોગ કરી જાણવામાં છે, નહીં કે એની પાછળ દોડવામાં……

વિશ્વ વિખ્યાત લેખક અર્નેસ્ટ હેમિંગ્વે

ernest hanigway

એક વિદ્યાર્થી હતો. તેનું નામ અર્નેસ્ટ. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. વાર્તા, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા દરેકમાં એનો પ્રથમ નંબર આવતો. એક દિવસ અર્નેસ્ટ શાળાએથી હસતો હસતો ઘરે આવ્યો. તેની મોટી બહેને તેને પૂછ્યું, “શું વાત છે આજે તું બહુ જ ખુશ લાગે છે ?” અર્નેસ્ટે જવાબ આપ્યો,”બહેન અમારી શાળામાં વાર્તા લેખન સ્પર્ધાની જાહેરાત થઈ છે. તું તો જાણે જ છે કે હું કેટલું સરસ લખી શકું છું. પ્રથમ ઈનામ ડોલર ૧૦૦૧નું છે. આજે પહેલી તારીખ છે અને છેલ્લી ૩૧ તારીખ સુધીમાં વાર્તા લખીને મોકલવાની છે.

“તો તો સારો એવો સમય છે. તું અત્યારથી જ વાર્તા વિશે વિચારવા માંડ.” તેની બહેને કહ્યું. પણ અર્નેસ્ટે બહેનની વાત એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. એ મિત્રો સાથે રમવા ચાલ્યો ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર બીજા વિદ્યાર્થીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે તેની બહેન તેને સ્પર્ધા વિશે યાદ કરાવતી ત્યારે તે કહેતો , “બહેન, એટલી બધી શું ઉતાવળ છે ? ઘણા દિવસો બાકી છે નિરાંતે લખીશ.” અર્નેસ્ટને પોતાની હોશિયારી પર વધુ પડતો આત્મવિશ્વાસ હતો. સમય કોઈની રાહ જુએ છે ખરો ? વખત વિતતો ગયો અને છેલ્લા બે દિવસ બાકી રહ્યા. હવે તે વાર્તા વિશે વિચારવા લાગ્યો. પણ કોઈ વિચર જ ન સૂઝે. હવે સમય પણ રહ્યો ન હતો. છેલ્લા દિવસની આગલી રાતે તેણે મોડે સુધી જાગીને જેમતેમ કરીને એક વાર્તા લખી અને છેલ્લી તારીખે તે શાળામાં આપી આવ્યો.

સ્પર્ધાનું પરિણામ જાહેર થવાનો દિવસ આવી ગયો. સભાખંડ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓથી ઠસોઠસ ભરેલો હતો. આચાર્યશ્રી પરિણામની જાહેરાત કરવા ઊભા થયા. અર્નેસ્ટ પોતાના સ્થાને ઊભો થઈ ગયો. “પ્રથમ ઈનામ મારા સિવાય કોને મળે!” તેને હતું હમણાં તેનું નામ બોલાશે અને સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠશે. પરિણામની જાહેરાત થઈ અને સૌના આશ્ચર્ય વચ્ચે પ્રથમ ઈનામ કોઈ બીજો જ વિદ્યાર્થી લઈ ગયો હતો. અર્નેસ્ટ ધબ કરીને બેસી ગયો. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. તે ઘરે જઈને ચૂપચાપ પલંગમાં સૂઈ ગયો. થોડી વારમાં તેની બહેન ઘરે આવી. તેણે પૂછ્યું, “અર્નેસ્ટ શું થયું ? કેમ સૂઈ ગયો છે ?” બહેનને જોઈને અર્નેસ્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેણે કહ્યું, “બહેન મેં તારી વાત ન માની તે મારી મોટામાં મોટી ભૂલ હતી.”

તેની બહેને તેને સમજાવતા કહ્યું કે, ” તું ખૂબ જ હોશિયાર છે અને ખૂબ જ સરસ લખે છે એ વાત સાચી પણ તું સમયનું મૂલ્ય નથી સમજી શક્યો. જો તું વિશેષ સિદ્ધિ મેળવવા ઈચ્છતો હોય તો તારી લાયકાત ઓછી આંકીને જ આગળ વધજે. તારાથી બીજું કોઈ પણ વધુ શ્રેષ્ઠ હોઈ શકે છે તે વાત યાદ રાખજે.”

બહેનના શબ્દો અર્નેસ્ટના હ્રદયમાં સદાને માટે અંકિત થઈ ગયા. આગળ જતાં એણે ઘણું ઉચ્ચ સાહિત્ય લખ્યું. એક દિવસ અર્નેસ્ટે સાહિત્યનો નોબલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. આજે પણ અર્નેસ્ટ હેમિંગ્વે વિશ્વભરમાં વિખ્યાત લેખક તરીકે જાણીતા છે.

સમય બહુ કીમતી છે. તેનો સદુપયોગ કરવો જોઈએ. જેમ્ કમાનમાંથી નીકળેલું તીર પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ કદી પાછો આવતો નથી.

“ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.”